સુરતના કતારગામ આંબા તલાવડી ચાર રસ્તા પર વડલા સર્કલથી રોંગ સાઈડમાં ટુ-વ્હીલર પર પાછળ બેઠેલા યુવાન ઉપર બીજા યુવાનને બેસાડી બેફામ બનેલા યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેથી ટ્રાફિક પોલીસે આ અંગે તપાસ કરી ઓલપાડ લવાછાના યુવાનને શોધી કાઢ્યો હતો. તેની કબૂલાતના આધારે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મેચ જીતવાની ખુશીમાં સ્ટંટ કરનાર લવાછાના યુવાનની ધરપકડ કરી તેના બે મિત્રોની અટકાયત કરી છે.
વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ ટુ-વ્હીલરમાં ચાલકની પાછળ એક યુવાન અને બીજો યુવાન તેની પીઠ પર બન્ને પગ આગળ રાખી બેઠો છે. આમ છતાં યુવાન જોખમી રીતે ટુ-વ્હીલર ચલાવી રહ્યો છે. એકવાર તો ઉપર બેઠેલા યુવાનનું બેલેન્સ સહેજ માટે ગુમાવે છે. પરંતુ બાદમાં બેલેન્સ રહી જતા ત્રણેય નીચે પટકાતા માંડ માંડ બચ્યા હતા. તેમજ આ રીતે ટુ-વ્હીલર ચલાવી અન્ય વાહનચાલકોના પણ જીવ જોખમમાં મૂક્યા હતા.
બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં એક ટુ-વ્હીલર કતારગામ આંબા તલાવડી ચાર રસ્તા પર વડલા સર્કલથી રોંગ સાઈડમાં જતું હતું. જેમાં ચાલકની પાછળ બેઠેલા યુવાનની ઉપર એક યુવાન બેઠો હતો. તેમજ બેદરકારીપૂર્વક ટુ-વ્હીલર ચલાવી સ્ટંટ કર્યા હતા. આ ટુ-વ્હીલર ચલાવનારને શોધી કાઢવા ટ્રાફિક પોલીસે તેના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન નંબર (જીજે-05-કેવી-2750)ના આધારે તપાસ કરતા તેના માલિક રાજુભાઈ મહાદેવભાઈ પટેલ (રહે. કે.એચ, ખેત્રાયી ફળિયું, લવાછા ગામ, ઓલપાડ, સુરત ) હોવાનું જાણવા મળ્યું હતું.