રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ આવેલા ખેતલાઆપા ટી સ્ટોલને કરાયું સીલ

રાજકોટને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઠેર-ઠેર સફાઈ કરવાની સાથે ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ આવેલા ખેતલાઆપા ટી સ્ટોલ સીલ કરી દેવામાં આવ્યું છે. ખેતલાઆપા ટી સ્ટોલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જળવાતી નહીં હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેરમાં ગંદકી અને કચરો ફેંકવામાં આવતા આકરું પગલું લેવાયું હોવાનું મ્યુ. કમિશન દ્વારા જણાવાયું હતું.

ગંદકી નહીં કરવા માટે તાકીદ
મ્યુ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકને અગાઉ સ્વચ્છતા જાળવવા નોટિસ ફટકારી દંડ વસુલવામાં આવ્યો હતો. તેમજ જાહેરમાં ગંદકી નહીં કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં ખેતલાઆપા ટી સ્ટોલ દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરાતા મ્યુ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સરકારની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ટી સ્ટોલને સીલ મારી દેવામાં આવ્યું હતું.

સ્વચ્છતા ન જાણવનાર સામે કાર્યવાહી
આ અંગે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ અભિયાનમાં નાગરિકો પણ ફરજ બજાવે તે જરૂરી છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે. છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. લોકોમાં સ્વયં જાગૃતિ આવે તે ઈચ્છનિય છે, પરંતુ જયારે આવું સંભવ ન બને ત્યારે વહીવટી તંત્ર કડક પગલાં લેવા મજબુર બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *