શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં મોબાઇલનો વેપાર કરતા વેપારીઅે અોનલાઇન મોબાઇલની ખરીદી કર્યા બાદ નાણાં ચૂકવી દીધા હતા પરંતુ ગઠિયાએ તેને મોબાઇલ નહીં મોકલી રૂ.24900ની છેતરપિંડી આચરી હતી. પેડક રોડ પરના નારાયણનગરમાં રહેતા અને પાણીના ઘોડા પાસે ભરત મોબાઇલ નામે દુકાન ચલાવતા જીજ્ઞેશભાઇ જયંતીભાઇ ખૂંટે (ઉ.વ.38) ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં એસ.જી.હાઇવે પર આરંભ એન્ટરપ્રાઇઝના નામે વેપાર કરતાં સુનિલ ઉર્ફે સોનુ ભોજવાણીનું નામ આપ્યું હતું.
ગત તા.10 ઓગસ્ટના પોતે પોતાની દુકાને હતા ત્યારે તેમના સોશિયલ મીડિયા પર મેસેજ આવ્યો હતો અને કંપનીના સીલબંધ બોક્સમાં મોબાઇલ વેચવાના હોવાની જાહેરાત હતી, જે બાબતે પોતાને રસ પડતાં રૂ.31900માં 30 મોબાઇલનો સોદો નક્કી કર્યો હતો, અને સુનિલે ક્યુઆરકોડ મોકલતા જીજ્ઞેશભાઇએ રૂ.31900 ટ્રાન્સફર કરી દીધા હતા, જોકે ત્રણ દિવસ વિતી જવા છતાં મોબાઇલ મળ્યા નહોતા, પૈસાની ઉઘરાણી કરતા 7 હજાર પરત કર્યા પરંતુ બાકીના રૂ.24900 પરત નહી કરી છેતરપિંડી આચરી હતી.