ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઘણાં દિવસોથી ચાલી રહેલા યુદ્ધવિરામ કરારને ઇઝરાયલની સંસદે મંજૂરી આપી દીધી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર સંસદે 50 બંધકોના બદલામાં 4 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કર્યો છે.
ઇઝરાયલના એક સરકારી અધિકારીએ જણાવ્યું કે જે બંધકોને મુક્ત કરવામાં આવશે તેમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો હશે. તેઓને દરરોજ 12-13 બંધકોના સમૂહમાં મુક્ત કરવામાં આવશે. ઇઝરાયલ 10 બંધકોના દરેક જૂથને મુક્ત કરવાના બદલામાં એક દિવસીય યુદ્ધવિરામ લાદશે.
હિબ્રુ મીડિયા અનુસાર, હમાસ જે બંધકોને મુક્ત કરશે તેમાં 30 બાળકો, 12 મહિલાઓ અને 8 માતાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે આ ડીલ હેઠળ ઇઝરાયલ 150 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. આમાં માત્ર મહિલાઓ અને બાળકોને જ પ્રાથમિકતા મળશે.
તે જ સમયે, હમાસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે કરાર હેઠળ, ઇઝરાયલ દક્ષિણ ગાઝા પર સર્વેલન્સ ડ્રોનની ઉડાન પણ 6 કલાક માટે બંધ કરશે. સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી આ ડ્રોન ઉત્તર ગાઝામાં જ ઉડાન ભરી શકશે.
આ પહેલા પીએમ નેતન્યાહુએ મોડી રાત્રે કેબિનેટની બેઠક યોજી હતી. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે હમાસ બંધકોને મુક્ત કરવા સંમત થાય તો પણ ઇઝરાયલ હમાસ સામે તેનું યુદ્ધ ચાલુ રાખશે. હમાસ ચીફ ઈસ્માઈલ હનીયે પણ રવિવારે યુદ્ધવિરામનો સંકેત આપ્યો હતો.