ક્રિકેટ વર્લ્ડ કપ-23 ફાઈનલના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદે 40,801 મુસાફરને સેવા આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. માઈક્રો પ્લાનિંગ અને આગોતરી સુસજ્જતા સાથે એરપોર્ટે 19 નવેમ્બર, 2023ના રોજ અત્યારસુધીની સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ સંભાળવામાં પણ વિક્રમ સર્જયો છે.
એરપોર્ટે સફળ કામગીરી થકી 260થી વધુ શિડ્યૂલ્ડ અને 99 નોન-શિડ્યૂલ્ડ એમ કુલ 359 એર ટ્રાફિક મૂવમેન્ટ્સનો રેકોર્ડ સર્જ્યો છે. SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરનારા 40,801 મુસાફરમાં 33,642 સ્થાનિક અને 7159 આંતરરાષ્ટ્રીય મુસાફરનો સમાવેશ થાય છે.
ભારતીય વાયુસેનાના એર શોને કારણે 45 મિનિટથી વધુ સમય માટે એરસ્પેસ બંધ રાખવામાં આવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ દ્વારા 23 કલાકમાં આ માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. મોટા ભાગના મુસાફરોની અવરજવર સાથે અમદાવાદ એરપોર્ટે VVIP મહેમાનોના સ્વાગત સાથે તેમની ફ્લાઇટની અવરજવરનું સંકલન સુનિશ્ચિત કર્યું હતું.