રાજકોટમાં રોગચાળાનો કહેર સતત યથાવત રહેતા ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાનાં કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગત સપ્તાહે ડેન્ગ્યુનાં 10 કેસ સામે આવ્યા છે. ફક્ત એટલું જ નહીં ચિકનગુનિયાએ માજા મૂકી હોય તેમ સપ્તાહમાં વધુ 2 કેસ સામે આવ્યા છે. જ્યારે શરદી-ઉધરસ-તાવના 544 ઉપરાંત ઝાડા-ઉલટીનાં વધુ 96 સહિત કુલ 652 દર્દીઓ મનપાનાં ચોપડે નોંધાયા છે. જોકે, ગત સપ્તાહમાં રજાના દિવસો હોવાથી OPDની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલનાં છે. ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓનો રેકોર્ડ ગણીએ તો આ સંખ્યા 5 ગણાથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સતત વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે અને પોરાનાશક – ફોગીંગની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને વિવિધ રોગોનાં મનપાનાં ચોપડે 652 કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં નોંધાતા દર્દીઓની સંખ્યા જોઈએ તો માત્ર એક જ સપ્તાહમાં ત્રણેક હજાર દર્દીઓ સામે આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે અને રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે તેમજ લોકોને પણ સાવચેતી રાખવા અને બહારનો ખોરાક નહીં લેવાની સૂચના આપવામાં આવી રહી છે.