રાજકોટ સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગમાં મહિલા દર્દીઓની સંભાળ અને સુરક્ષાનો પ્રશ્ન ગંભીર બન્યો છે.
મહિલા સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા ન હોવાથી દર્દીઓ બેકાબૂ બને ત્યારે નર્સિંગ સ્ટાફે જ સ્થિતિ સંભાળવી પડે છે. કેટલીક દર્દીઓ કપડાંનું ભાન ભૂલી જાય તો ક્યારેક ગાળાગાળી અને ઉત્પાત મચાવે છે.
આવા સમયે મહિલા ગાર્ડની જરૂર હોવા છતાં ઇમરજન્સી વિભાગમાંથી પુરુષ ગાર્ડને બોલાવાય છે. તે પહોંચે ત્યાં સુધી સ્થિતિ વણસી જાય છે. વારંવાર રજૂઆત છતાં મહિલા ગાર્ડની વ્યવસ્થા ન કરતું સિવિલ તંત્ર કર્મચારીઓની મુશ્કેલી અને દર્દીઓની ગરિમા બંનેને નજરઅંદાજ કરી રહ્યું છે.
માનસિક વિભાગમાં સારવાર લઈ રહેલી મહિલાઓની સંવેદનશીલ સ્થિતિને જોતાં મહિલા સુરક્ષાકર્મીની હાજરી અનિવાર્ય છે. યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાથી સ્ટાફ પરનો ભાર ઘટશે અને દર્દીઓને પણ સુરક્ષિત વાતાવરણ મળી શકશે.