રાજકોટના માધાપર IOCL પ્લાન્ટમાં ગેસ લીકેજ

રાજકોટના જામનગર રોડ પર માધાપર નજીક આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં આજે બપોરે 3:15 વાગ્યાના અરસામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટની ટેન્ક નંબર-1માં ગેસ લીકેજ થયા બાદ જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત થતાં અને આગ વિકરાળ બનતાં પ્લાન્ટમાં હાજર કર્મચારીઓ તેમજ અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, 1 કલાકથી વધુ સમય ચાલેલી દિલધડક બચાવ કામગીરી બાદ બપોરનાં 4:30 વાગ્યે આ સમગ્ર ઘટના જિલ્લા કક્ષાની મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ બપોરે 3:15 વાગ્યે ટેન્ક નંબર-1માં ગેસ લીકેજ સાથે આગ લાગતાં જ પ્લાન્ટની મેઈન્ટેનન્સ ટીમે આગ બુઝાવવા કવાયત શરૂ કરી હતી. પરંતુ આગ બેકાબૂ બનતાં તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. એક તબક્કે આગ કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ અચાનક આગે ફરી ભીષણ સ્વરૂપ ધારણ કરતાં બચાવ કામગીરી વધુ પડકારજનક બની હતી. સ્થિતિની ગંભીરતા પારખીને ફાયર ફાઈટરોની સાથે NDRFની ટીમ પણ મેદાનમાં ઉતરી હતી. બંને ટીમોના સંયુક્ત પ્રયાસથી આખરે આગ પર કાબૂ મેળવાયો હતો.

આ ઘટનાક્રમ દરમિયાન 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડી જરૂરી સારવાર આપવામાં આવી હતી. બીજી તરફ, આગનું મુખ્ય કારણ બનેલા ગેસ લીકેજને શોધવા NDRFની ટીમે તપાસ હાથ ધરી હતી. ટીમે ગેસ લીકેજનું સ્થળ શોધી કાઢ્યા બાદ IOCLના એન્જિનિયરોએ જરૂરી સમારકામ કરીને લીકેજ સંપૂર્ણ બંધ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *