નંબર પ્લેટ વિનાના બાઈક ચાલકે વાતચીતનાં બહાને સગીરાની છેડતી કરી

રાજકોટનાં રૈયા રોડ વિસ્તારમાં સાંજના સમયે જાહેર રોડ પર એક 10 વર્ષની માસૂમ સગીરાની છેડતી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 5 નવેમ્બરના રોજ બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જેમાં નંબર પ્લેટ વિનાના બાઈક પર આવેલો એક નરાધમ સગીરા સાથે અડપલાં કરતો કેદ થયો છે.

ચોંકાવનારી વાત એ છે કે, ઘટનાને 20 દિવસ વીતી ગયા હોવા છતાં અને ગાંધીગ્રામ પોલીસે પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. પોલીસની ઢીલી નીતિથી કંટાળીને આખરે સગીરાના પિતાએ સીસીટીવી ફૂટેજ જાહેર કરી સમગ્ર આપવીતી જણાવી છે.

નાસ્તો લઈને ઘરે પરત ફરતી હતી, ત્યારે શખસે રોકીને વાત કરી
5 નવેમ્બરના રોજ સાંજે આશરે 6:53 થી 6:57 વાગ્યાના અરસામાં રાજકોટનાં પોષ વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ઘરની નજીકમાં આવેલી દુકાને નાસ્તો લેવા માટે ગઈ હતી. જ્યારે તે નાસ્તો લઈને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે રોડ વચ્ચે લાલ પટ્ટાવાળું શાઈન બાઈક લઈને એક શખ્સ ઊભો હતો. બાઈકમાં આગળ કે પાછળ કોઈ નંબર પ્લેટ નહોતી. આ શખ્સે સગીરાને રસ્તામાં રોકી અને તેની સાથે વાતચીત શરૂ કરી હતી.

સીસીટીવીમાં આરોપીની કરતૂત સ્પષ્ટપણે જોવા મળે છે. જેમાં આરોપીએ પહેલા સગીરાને તેની ઉંમર પૂછી હતી અને બાદમાં પોતાની ઓળખ આપતા જણાવ્યું કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મારૂ સ્પા સેન્ટર છે. એટલું જ નહીં નરાધમે સગીરાને લાલચ આપતા કહ્યું હતું કે, ત્યાં તારા જેવડા છોકરા-છોકરીઓ કામ અને એક્ટિવિટીમાં જોડાય છે, તું પણ મારા સ્પામાં નોકરીએ લાગી જા. આટલું કહીને આરોપીએ છેડતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *