આઈપીએલ ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સ (PBKS) આગામી સીઝનથી પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેને ટીમના નવા બોલિંગ કોચ બનાવવાનું નક્કી થયું છે.
તો, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ સપોર્ટ સ્ટાફ સભ્ય રાજીવ કુમાર ફિલ્ડિંગ કોચની જવાબદારી સંભાળશે.
પંજાબે ગયા મહિને બોલિંગ કોચ જેમ્સ હોપ્સ અને ફિલ્ડિંગ કોચ બ્રેડ હેડિનથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
મ્હામ્બ્રે પંજાબના હેડ કોચ રિકી પોન્ટિંગ સાથે કામ કરશે. બંને અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કોચિંગ સેટઅપનો હિસ્સો રહી ચૂક્યા છે. મ્હામ્બ્રે ગયા મહિને મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થયા હતા. ફ્રેન્ચાઈઝીએ કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો હતો.
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ રહી ચૂક્યા, T20 વર્લ્ડ કપ જીતમાં મહત્વની ભૂમિકા
54 વર્ષીય મ્હામ્બ્રે 2021થી 2024 સુધી રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમના બોલિંગ કોચ રહ્યા હતા. આ દરમિયાન તેમણે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ જેવા બોલરો સાથે કામ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન ભારત 2023ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું અને 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો.
મ્હામ્બ્રે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે બે કાર્યકાળ દરમિયાન કામ કરી ચૂક્યા છે. ભારતીય ટીમ સાથે જોડાતા પહેલાં અને નેશનલ ટીમ સાથેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ મુંબઈના કોચિંગ સેટઅપનો ભાગ રહ્યા હતા.