“દિવ્યાંગતા હંમેશા મનથી હોય છે, શરીરથી નહીં; જો માણસ મનથી મક્કમ નિર્ધાર કરે તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ બધું જ કરી શકે છે.” આ પ્રેરણાદાયક શબ્દો છે રાજકોટની 33 વર્ષીય દીકરી ભૂમિ મહેતાના.
રાજકોટમાં સ્પાઇના બાઈફિડા એટલે કે કરોડરજ્જુની ગંભીર બીમારીથી પીડાતા બાળકો માટે સ્પાઇના બાઈફિડા ક્લિનિક અને મુંબઈના ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા જનજાગૃતિ કાર્યક્રમ દરમ્યાન જન્મથી જ કરોડરજ્જુની ગંભીર ખોડ અને જીવનના 30 વર્ષ હોસ્પિટલના બિછાને વિતાવ્યા બાદ પણ હિંમત ન હારતી ભૂમિ આત્મનિર્ભર બનીને સરકારી કચેરીમાં ફરજ બજાવવાની સાથે શૂટિંગની રમતમાં પોતાનું અને પરિવારનું નામ રોશન કરી રહી છે. તેમનું સ્વપ્ન આંતરરાષ્ટ્રીય સ્તરની શૂટર ખેલાડી બનીને રાજકોટ અને સમગ્ર દેશનું નામ રોશન કરે.
ભૂમિ જન્મજાત ‘સ્પાઇના બાયફિડા’ (કરોડરજ્જુની ખોડ) નામની બીમારી સાથે જન્મી હતી. માત્ર 45 દિવસની ઉંમરે તેનું પ્રથમ ઓપરેશન કરવામાં આવ્યું, જેના કારણે એક પગમાં ખોડ રહી જતાં તે 6 વર્ષની ઉંમર સુધી ચાલી શકી નહોતી. માતા-પિતાએ બીજું ઓપરેશન કરાવ્યા બાદ તેણે ધીમે-ધીમે ચાલવાનું શરૂ કર્યું, પરંતુ 12 વર્ષની ઉંમરે પગ ફરી વળવા લાગતા ત્રીજું ઓપરેશન કરાવવું પડ્યું.