રાજકોટ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશાનો કારોબાર કરતા શખ્સો દ્વારા ચરસ અને ગાંજા જેવી વસ્તુઓની હેરાફેરી શરૂ કરવામાં આવી છે. જોકે, રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા રીક્ષામાં થતી માદક પદાર્થ ગાંજાની હેરાફેરીનો પણ પર્દાફાશ કરાયો છે અને ઓટોરીક્ષામાં ગાંજાનો જથ્થો લઈને જતા એક શખ્સને 2 કિલો જેટલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસે એજાજ ઉર્ફે મામુ દિલાવરભાઇ બ્લોચ મકરાણી નામના આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય SOG તેમજ ગોંડલ બી-ડિવિઝન પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેડ.કોન્સ જયવિરસિંહ રાણા તથા ભગીરથસિંહ જાડેજા તથા અરવિંદભાઇ દાફડાને સંયુક્ત રીતે બાતમી મળી હતી. જેમાં ગોંડલમાં રહેતો એજાજ ઉર્ફે મામુ પોતાની ઓટો રીક્ષા નંબર GJ-18-AX-7552માં ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ માદકપદાર્થનો જથ્થો રાખી, રાજકોટથી ગોંડલ તરફ જનાર હોવાનું જાણવા મળ્યું હતું.