ભાવનગર શહેરના ઘોઘા રોડ પર રહેતા એક કળીયુગી કુપુત્ર એ પિતાની માલિકીનો પ્લોટ વેચી નાખવા વયોવૃદ્ધ પિતાને જણાવતા પિતાએ પ્લોટ વેચવાની ના પાડી હતી. જેથી પુત્રએ સગા બાપ પર કુહાડી વડે હુમલો કરી લોહીયાળ ઈજાઓ પહોંચાડતા વૃદ્ધને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘા રોડ પર 14 નાળા મિનિ હીરા બજાર વાળા ખાંચામાં પ્લોટનં-2398/-માં રહેતા અને નિવૃત્ત જીવન પસાર કરતા નાનુભાઈ બચુભાઈ સોલંકી ઉ.વ.70 સવારે પોતાના ઘરે સુતા હોય એ દરમ્યાન નાનો પુત્ર ભાવેશ તેની પાસે આવી જણાવ્યું હતું કે, આ પ્લોટ આપણે વેચી દેવો છે આથી વૃદ્ધે પ્લોટ વેચવાની ના કહી હતી અને પ્લોટ વેચી નાખશુ તો રહેવા કયાં જાશું..? તેમ કહેતાં ઉશ્કેરાયેલા પુત્ર એ પિતા સાથે ઝઘડો કરી કુહાડી ઉઠાવી એક ઘા માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો, આ બનાવ બાદ આરોપી ઘરેથી જતો રહ્યો હતો જયારે ઈજાગ્રસ્ત વૃદ્ધને તેનો ભત્રીજો સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં લાવ્યો હતો, જયાં સારવાર બાદ વૃદ્ધે તેના પુત્ર ભાવેશ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.