રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તહેવારો નિમિત્તે હાથ ધરાયેલી તપાસમાં પનીરમાં ગંભીર ભેળસેળ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મનપાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લીધેલા પનીરના નમૂનાઓની ચકાસણી કરાવતાં તેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને ફોરેન ફેટ (વિદેશી ચરબી) તેમજ ભેજનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે. આ પ્રકારના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો લોકોના આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સમગ્ર મામલે ફૂડ વિભાગે 4 પેઢીઓ સામે એજ્યુડિકેશન કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે 62 પેઢીઓની તપાસ કરી 269 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર મૂકાયેલા પ્રતિબંધના સમયગાળા દરમિયાન મનપાની ટીમે વિશેષ સર્વેલન્સ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ હેઠળ લાતી પ્લોટ શેરી નંબર 4 સ્થિત ‘ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ’માંથી લેવાયેલા લૂઝ પનીરના નમૂનામાં ફોરેન ફેટની માત્રા વધુ મળી આવી હતી. પુનિતનગર મેઇન રોડ પર આવેલા ‘શ્રી ગાયત્રી ડેરીફાર્મ’ના પનીરમાં જરૂરી મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હતું.
આ ઉપરાંત સામા કાંઠા વિસ્તારમાં સેટેલાઈટ ચોક પાસેના પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા તથા ભક્તિનગર વિજય પ્લોટ-11 ખાતે આવેલી ‘ભગવતી ટ્રેડિંગ’માંથી લેવાયેલા લૂઝ પનીરના નમૂનાઓમાં પણ મિલ્ક ફેટ ઓછું અને ભેજ તેમજ ફોરેન ફેટ વધુ હોવાનું પુરવાર થયું હતું. લેબોરેટરી દ્વારા આ ચારેય સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાતાં સંબંધિત વેપારીઓ સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે