રામનાથપરામાં પાડોશીઓ વચ્ચે ધોકાથી મારામારી

રાજકોટમાં સામાન્ય બાબતમાં મહિલા પર હુમલાની ઘટના સામે આવી છે. રામનાથપરા વિસ્તારમાં કચરાની ડોલ રાખવાની બાબતમાં પડોશી યુવાન અને ત્રણ મહિલાએ એક મહિલાને ધોકાવાળી કરી હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે. જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે, એ ડિવિઝન પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવાની બદલે માત્ર 151 મુજબ અરજી લેવામાં આવી, જેથી ન્યાય આપવા માટે મહિલાના પુત્રએ માગ કરી છે.

કચરાની ડોલ રાખવા મુદ્દે ધોકાથી માર માર્યોનો આક્ષેપ
વેપારી રાહુલભાઈએ જણાવ્યું કે, ગત 27 ઓક્ટોબરના રામનાથપરામાં પડોશમાં રહેતા ત્રણ મહિલાઓ અને એક પુરુષ દ્વારા મારા ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને માતા વિજ્યાબેનને ઘરની બહાર કાઢીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. કચરાની ડોલ બાબતે નજીવી તકરાર થઈ હતી. જે કચરાની ડોલ તેમની પોતાની હદમાં જ હતી. તેમણે જણાવ્યું કે, હસમુખભાઈ સિંઘવ તેમની ઘરની ડેલીએ આવ્યા હતા. હસમુખભાઈએ આવીને કહ્યું કે, તમે કચરાની ડોલ અમારી બાજુમાં ના રાખો. જેનો જવાબ આપતા મારા માતાએ જણાવ્યું કે, ડોલ અમારી જગ્યામાં જ રાખી છે.

આ બાબતનો ખાર રાખી હસમુખભાઈ વિજ્યાબેનને જેમફાવે તેમ બોલવા લાગ્યા હતા. આ દરમિયાન હસમુખભાઈની પત્ની શિવાની, તેમની કાકી જયાબેન અને બહેન પાયલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ તમામ લોકોએ વિજ્યાબેન સાથે બોલાચાલી કરી ઝઘડો શરૂ કરી દીધો હતો. જે બાદ તેઓએ માતા સાથે ઝપાઝપી કરી હતી અને હસમુખભાઈએ તેમના પર ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. આરોપીઓ દ્વારા ગાળાગાળી પણ કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં પોલીસે માત્ર 151 હેઠળ અટકાયત કરી જામીન આપી દીધા છે અને હજુ સુધી યોગ્ય FIR દાખલ કરી આગળની કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *