અદાણી કંપનીએ 13 દિવસમાં ફરી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.4.45નો મોટો વધારો કરાયો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.100ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે.
તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી રિક્ષાચાલકો CNGના ભાવ વધતા સબસિડી આપવાની સરકાર પાસે માગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
CNGના સતત ભાવવધારાને લઈને રિક્ષાચાલકોમાં પણ લાંબા સમયથી ભારે નારાજગી જોવા મળી રહી છે. રિક્ષાચાલકોએ અગાઉ વાહન-વ્યવહાર કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, CNGમાં સબસિડી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો દિવાળી પહેલા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે, તે વચ્ચે ફરી ભાવ વધતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
CNGના ભાવમાં વધારો થતો હોવાથી સરકાર દ્વારા ભાડામાં પણ વધારો કરાયો હતો, પરંતુ સરકાર દ્વારા જે ભાડામાં વધારો કરાયો તે ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબર અને રેપીડોમાં ન આપ્યું હોવાથી રિક્ષાચાલકો અત્યારે તેનો બહિષ્કાર કરી રહ્યા છે. ઓનલાઇન એપ્લિકેશનમાં રિક્ષાચાલકોને પ્રતિ કિલોમીટર 20ની જગ્યાએ 10થી 12 રૂપિયા જ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે.