પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના રાવલકોટમાં ગુરુવારે પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો છે.
આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે.
યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP)એ આરોપ લગાવ્યો છે કે સુરક્ષા દળોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ભારે મશીનગનો અને ડ્રોનથી હુમલો કર્યો.
આ ઘટના અંગે હજુ સુધી પાકિસ્તાની અધિકારીઓનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
UKPNP મુજબ, પાકિસ્તાની સુરક્ષાદળોએ મટિયાલમેરા બસ ટર્મિનલ, ઉમર ફારૂક ચોક અને રાવલકોટના અન્ય સ્થળોએ ચાલી રહેલા ધરણાં પર કાર્યવાહી કરી.
પાર્ટીએ આરોપ લગાવ્યો કે સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાની સાથે ડ્રોનથી પણ હુમલા કર્યા. આ દરમિયાન ભારે મશીનગનો અને બખ્તરબંધ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો.
PoKમાં 7 જૂનથી અત્યાર સુધી 153 લોકોનાં મોત
PoKમાં 7 જૂનથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન સતત વધતું જઈ રહ્યું છે. ગુરુવારે 7 લોકોનાં મોત બાદ આ આંદોલનમાં જીવ ગુમાવનારાઓની કુલ સંખ્યા 153 થઈ ગઈ છે.
આંદોલનની શરૂઆત સ્થાનિક લોકોના રાજકીય અધિકારો અને આર્થિક સમસ્યાઓને લઈને થઈ હતી. હવે પ્રદર્શનકારીઓ પાકિસ્તાની સુરક્ષાદળોનું પરત ફરવું અને પોતાના નેતાઓ સામે નોંધાયેલા કેસો રદ કરવાની માગ પણ કરી રહ્યા છે.