અમદાવાદમાં અમેરિકાની IT કંપનીમાં આગને લીધે જીવ બચાવવા કુદેલા રાજકોટના યુવાનના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. સિનિયર એડવોકેટના પુત્ર રચિત પટેલની શહેરના સાધુવાસવાણી રોડ ઉપર આવેલા તેમના નિવાસસ્થાન નંદવિહારથી ગઈકાલે અંતિમયાત્રા નીકળી ત્યારે હૃદય દ્રાવક દૃશ્યો સર્જાયા હતા. મૃતક 23 વર્ષીય રચિત પટેલ રાજકોટના સિનિયર એડવોકેટ રાજેશભાઈ પટેલના પુત્ર અને ચંદ્રકાંતભાઈ, બિનેશભાઈ અને હરેશભાઈ પટેલના ભત્રીજા છે. એકના એક પુત્રના મોતના બનાવથી રાજકોટના પટેલ પરિવારમાં ભારે શોક છવાયો હતો.
જીવ બચાવવા બીજા માળેથી કૂદ્યો ને જીવ ગયો
એમબીએનો અભ્યાસ કરનાર જૈન વણિક યુવક રચિત અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ પાર્કના બીજા માળે આવેલી અમેરિકાની આઇટી કંપનીમાં નોકરી કરતો હતો. 2 નવેમ્બરે આશરે 9:30 વાગ્યે બિલ્ડિંગમાં આગ લાગતા બીજા માળે રચિત સહિતના લોકો અટવાયા હતા. જીવ બચાવવા રચિત અને અન્ય એક કર્મચારીએ બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો, જેમાં રચિતને ગંભીર ઇજા થતા સારવારમાં મોત નીપજ્યું હતું.