રાજકોટ મહાપાલિકાનાં તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં કામમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીનો મુદ્દો ચર્ચાયો હતો. ત્યારબાદ મેયર ડો. નેહલ શુક્લ દ્વારા આ બાબતે ખાસ ધ્યાન રાખવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. અને જરૂર પડ્યે નવા નિયમો લાવવાની તૈયારી પણ દર્શાવી હતી. જેને લઈને અધિકારીઓએ વિકાસનાં કામોમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો સામે લાલઆંખ કરવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત એઇમ્સને જોડતા શાંતિનગર નજીકના બ્રીજનાં 6 મહિનાના કામમાં 2 વર્ષ મોડું કરનારા એટલે કે, અઢી વર્ષે પૂર્ણ કરનાર કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં આ દંડની રકમ બાદ કરીને જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના 150 ફૂટ રિંગરોંગ રોડથી શાંતિનગર તરફ જતા માર્ગ પર વચ્ચે વોકળો આવતો હોવાથી એમ્પલ કન્સ્ટ્રક્શનને રૂ. 5.5 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવાની જવાબદારી વર્ષ 2023માં સોંપવામાં આવી હતી. ટેન્ડરની શરતો મુજબ આ પ્રોજેક્ટ માત્ર 6 મહિનામાં પૂર્ણ કરવાનો હતો. જો કે, કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ અને બેદરકારીના કારણે આ કામ પૂરું થવામાં પૂરાં 2.5 વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો હતો. પ્રોજેક્ટ સમયસર પૂરો થાય તે માટે મનપા તંત્ર દ્વારા એજન્સીને વારંવાર નોટિસ ફટકારવામાં આવી હતી. છતાં એજન્સી દ્વારા કામમાં કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી.
મનપાના સિટી ઈજનેર અતુલ રાવલે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ અંગે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઈપણ પ્રોજેક્ટમાં સાઇડ ક્લિયરન્સ, યુટિલિટી શિફ્ટિંગ, ડિઝાઇનમાં ફેરફાર કે કુદરતી આપદા જેવા વાજબી કારણોસર નિયમ મુજબ સમય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. પરંતુ આ બ્રિજના કિસ્સામાં કોન્ટ્રાક્ટરની કામ કરવાની પદ્ધતિમાં સ્પષ્ટપણે બેદરકારી જોવા મળી હતી. કોન્ટ્રાક્ટરે બચાવમાં જમીન સોંપણીમાં વિલંબ અને વોકળામાં પાણી જેવા મુદ્દાઓ આગળ ધર્યા હતા, પરંતુ તંત્રની ઝીણવટભરી તપાસમાં એજન્સીના તમામ દાવાઓ ખોટા સાબિત થયા હતા. વોકળામાં પાણી આવ્યા બાદ અને રસ્તો ખુલ્લો થયા પછી પણ જે અસાધારણ વિલંબ થયો હતો, તે બાબતને ધ્યાનમાં રાખીને દંડની કાર્યવાહી કરવામાં આવી છે.