રાજ્યના 9.69 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સના DAમાં 3%નો વધારો

દિવાળી પહેલા ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થશે. દિવાળીના તહેવારને લઈ 9 નવેમ્બરે પડતર દિવસે સરકારે રજા જાહેર કરી છે. ત્યારે દિવાળીથી લઈને ભાઈબીજ સુધી સરકારી કર્મચારીઓને ચાર દિવસની રજા છે. જો કે 9 નવેમ્બરના બદલે 28 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે.

DAમાં 3% નો વધારો 1 જુલાઈ, 2026થી અમલ
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં 9.69 લાખથી વધુ કર્મયોગીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના ધોરણે લેવાયેલા આ નિર્ણયનો અમલ 1 જુલાઈ, 2026થી કરવામાં આવશે. આ વધારાથી રાજ્યના 4.62 લાખ કાર્યરત કર્મચારીઓ અને 5 લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓને લાભ મળશે. જુલાઈથી ઓક્ટોબર સુધીના ચાર મહિનાના એરિયર્સ પેટે ₹ 523 કરોડની રકમ નવેમ્બર-2026ના પગાર સાથે એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે.

ગુજરાત સરકારે મે 2026માં 7મા પગારપંચ હેઠળના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ DAનો દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. હવે જો વધુ 3 ટકાનો વધારો મંજૂર થયો છે તો DAનો દર 60 ટકાથી વધીને 63 ટકા થયો છે. એટલે કર્મચારીઓને મૂળ પગારના દરે વધારાના 3 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

DA એટલે શું?
DA એટલે મોંઘવારી ભથ્થું (Dearness Allowance). મોંઘવારી વધવાથી કર્મચારીઓના ઘરખર્ચ પર પડતી અસરને ઓછી કરવા માટે સરકાર મૂળ પગારના ચોક્કસ ટકાના દરે આ ભથ્થું આપે છે. આ રકમ કર્મચારીના મૂળ પગારના આધારે નક્કી થાય છે. સામાન્ય રીતે મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં રાખીને દર છ મહિને DAમાં સુધારો કરવામાં આવે છે. પેન્શનર્સને પણ આ જ રીતે મોંઘવારી રાહત (DR) આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *