ઉપલેટાના વોર્ડ નં.7માં ગટરના પાણી રોડ પર ફરી વળતાં અસહ્ય દુર્ગંધ ફેલાઇ

ઉપલેટા શહેરના વોર્ડ નંબર 7 માં ગણેશ મંદિર પાછળના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ખાસ વાત એ છે કે આ વિસ્તાર ખુદ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખનો ચૂંટાયેલો વોર્ડ હોવા છતાં અહીં ચારે તરફ ગંદકી અને ગંદવાડો જોવા મળી રહ્યો છે.

સોસાયટીના અંદરના જરૂરી રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી અને બિસ્માર રસ્તાઓના કારણે રાહદારીઓને ચાલવામાં તેમજ વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિક રહેવાસી કાનાભાઈ નંદાણીયાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા બેથી ત્રણ વર્ષથી ગટરના ગંદા પાણી છલકાઈ રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં અને અનેક વખત વીડિયો બનાવીને ધ્યાન દોરવા છતાં નગરપાલિકાના શાસકો કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

જો ક્યારેક ગટરની કુંડીનું સમારકામ કરવામાં આવે તો પણ નબળી કામગીરીના લીધે બે-ત્રણ મહિનામાં જ કુંડીનું ઢાંકણું ફરી તૂટી જાય છે. જો નગરપાલિકા પ્રમુખના પોતાના જ વોર્ડની આવી દયનીય સ્થિતિ હોય, તો સમગ્ર ઉપલેટા શહેરની સ્થિતિ કેવી હશે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકોની ફરિયાદ મળતા ઉપલેટા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લખમણ ભોપાળાંએ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર સમયે જ ગણેશ મંદિર પાછળના રોડ પર ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાથી વિસ્તારમાં ભયંકર માંદગી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *