આગામી દિવાળીનાં તહેવારોને લઈને ફટાકડાનો વેપાર કરવા માટે રાજકોટ મનપાનાં ફાયર વિભાગ પાસે મંજૂરી લેવી જરૂરી છે. રાજકોટનાં જુદા-જુદા ફાયર સ્ટેશનો પર આ માટેની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગને કુલ 373 અરજીઓ મળી છે. જે પૈકી 299 સ્થળોએ ચેકીંગ કરીને અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. જ્યારે 7 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. બાકીની 67 અરજી હાલમાં પેન્ડિંગ હોય ફાયરની ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે.
ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગતવર્ષના નિયમ મુજબ 500 ચો.મી. જગ્યામાં ફાટકડાનો વેપાર કરવા માટે ફાયર એનોસીની જરૂર નથી. પણ ફાયર વિભાગનો અભિપ્રાય લેવો ખાસ ફરજિયાત હોય છે. ત્યારબાદ જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જે અંતર્ગત હાલ રાજકોટનાં જુદા જુદા ફાયર સ્ટેશનોમાં અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આ માટે ફાયરના પ્રાથમિક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જેની સ્થળ તપાસ કર્યા બાદ અમારી ટીમ દ્વારા અભિપ્રાય આપવામાં આવે છે.
નિયમો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવું ટેમ્પરરી લાયસન્સ મેળવવા માટે અને ફટાકડાના વેચાણ માટે ઊભા કરવામાં આવતા સ્ટોલ પર 1,000 લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી અથવા હોઝ રીલ ફરજિયાત રાખવાની રહે છે. આ ઉપરાંત આગ પર કાબૂ મેળવવા માટે સી.ઓ.ટૂ. અને એ.બી.સી. પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર તેમજ ફાયર મોડ્યુલ જેવા બેઝિક ફાયર સેફ્ટીના સાધનો રાખવા પડે છે. તેમજ આ સાધનોનો ઉપયોગ કરતા વેપારીને આવડે છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે. અને ત્યારબાદ અભિપ્રાય આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ફાયર વિભાગ પાસે 373 અરજીઓ આવી છે. આ તમામ અરજીઓની ચકાસણી કરવા માટે ફાયર વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ છે. મળેલી કુલ અરજીઓમાંથી ફાયર વિભાગની ટીમો દ્વારા સ્થળ પર જઈને રૂબરૂ ચકાસણી કરવામાં આવી છે અને 299 વેપારીઓને તેમના સ્થળ માટેનો અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. જ્યારે 7 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. બાકી રહેલી 67 અરજીઓ હાલ પેન્ડિંગ છે, જેના માટે ફાયર વિભાગની ટીમો દ્વારા સ્થળ તપાસની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. નાના વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે ધનતેરસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવનાર છે.