રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોને સરકારી એજન્સીઓનો ખોટો ભય બતાવી તોડબાજી કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પ્રતાપ મગનસિંહ સોલંકી નામના શખ્સે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધી ઓળખાણ હોવાનો દાવો કરી કંપની વિરુદ્ધ પ્રદૂષણ બોર્ડ કે અન્ય વિભાગો દ્વારા કોઈ કાર્યવાહી નહીં થવા દેવાના બહાને ₹1 કરોડની માગણી કરી હતી. ત્યારબાદ ₹30 લાખમાં સમાધાન કરી એડવાન્સ પેટે ₹1 લાખ પડાવી લીધા હતા. આ મામલે શાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકોટ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી તેમજ કંપનીની આંતરિક વિગતો લીક કરતા કંપનીના જ કર્મચારીની ધરપકડ કરી છે.
કંપનીના જૂના કર્મચારીએ તમામ માહિતી બહાર પહોંચાડી
શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો કંપની અલગ-અલગ વાહનોના પાર્ટ્સ તેમજ વાહનો બનાવવાનું કામકાજ કરે છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગુનામાં કંપનીમાં લાંબા સમયથી નોકરી કરતા ધીરુભાઈ રામજીભાઈ ચાવડા નામના કર્મચારીની સીધી સંડોવણી હતી. ધીરુભાઈ કંપનીની અંદરની તમામ ગતિવિધિઓ અને ગુપ્ત માહિતી પ્રતાપ સોલંકીને પહોંચાડતો હતો, જેના આધારે આરોપી કંપનીના માલિક અને ડિરેક્ટર્સ પર માનસિક દબાણ બનાવી તોડ કરવાનો તખ્તો ઘડી રહ્યો હતો.