હવાલા કૌભાંડની આશંકાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમની સઘન તપાસ

રાજકોટ જિલ્લાના જસદણમાં તાલુકા સેવા સદન સામે આવેલી વકિલની ઓફિસ પર દિલ્હીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ ત્રાટકી હતી અને અગત્યના દસ્તાવેજો અને સાહિત્યની સઘન ચકાસણી શરૂ કરી હતી. જસદણના ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર છે કે જ્યાં કોઇ નાગરિક પાસે અપ્રમાણસર મિલકત હોવાની આશંકાથી ઇડીએ દરોડો પાડ્યો હોય.

જો કે ઓફિસમાં કોઇ શંકાસ્પદ સાહિત્ય કે વ્યવહારો મળ્યા છે કે કેમ તે હજુ સામે આવ્યું નથી. રામ મકવાણા નામના એડવોકેટની ઓફિસ બંધ રહેતી હોઇ, ટીમે તાળાં ખોલાવ્યા હતા અને લેપટોપ, સીપીયુ સહિતના સાધનો કબજે લીધા હતા. ટીમ ચાર કલાકથી વધુ સમય ઓફિસમાં રોકાઇ હતી અને દસ્તાવેજો તેમજ ફાઇલ્સની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ, દિલ્હીથી ખાસ દોડી આવેલી ઇડીની ટીમે ઓચિંતા જ જસદણ પહોંચી બંધ ઓફિસનાં તાળાં ખોલાવ્યાં હતાં અને અંદર રહેલા વિવિધ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો તથા ફાઇલની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, ગેમિંગ એપ્લિકેશન તથા હવાલા કૌભાંડ સાથે સંકળાયેલા તાર આ ઓફિસ સુધી પહોંચ્યા હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઇડીના અધિકારીઓએ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, બેંક એકાઉન્ટ્સ, ડિજિટલ ડેટા અને દસ્તાવેજોની ઊંડાણપૂર્વક ચકાસણી કરી હતી. ઇડીની ટીમની ઓચિંતી કાર્યવાહીના પગલે સ્થાનિક વેપારી, રાજકીય અને કાનૂની આલમમાં જબરી ઉત્તેજના સર્જાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *