શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. દિવાળીના તહેવાર પર અચાનક જ પરિવારના વ્યક્તિનાં મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જાય છે. આવા જ વધુ બે કિસ્સા શહેરમાં છેલ્લા 24 કલાકમાં બન્યા છે. ગાંધીગ્રામ વિસ્તારના પ્રૌઢ અને રૂખડિયાપરાના મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.
ગાંધીગ્રામના જીવંતિકાનગરમાં રહેતા ચંદ્રેશ ગુરુમુખદાસ કેશવાણી (ઉ.વ.52) શનિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન ઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચંદ્રેશભાઇ કેશવાણીનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. પરિવારના મોભીનાં મોતથી કેશવાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.