રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના ઉપસરપંચને ઉચાપત પ્રકરણમાં DDO દ્વારા હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે. ઈન્ચાર્જ સરપંચના સમયગાળા દરમિયાન રૂ.52.59 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ થતાં પોલીસ અટકાયત બાદ 60 દિવસ સુધી જેલવાસ ભોગવ્યા બાદ આ કાર્યવાહી થઈ છે. જ્યારે રાજકોટમાં મહેસુલ વિભાગ-પંચની બેંચ શરૂ કરવા જુનિયર બાર એસોસિએશન દ્વારા અધિક કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
ખોટા રેકર્ડ બનાવી રૂ.52,59,200ની ઉચાપત કર્યાની ફરિયાદ
કોટડાસાંગાણી ગ્રામ પંચાયતનાં ઉચાપત પ્રકરણમાં આખરે ડીડીઓ ઉપસરપંચ ધવલભાઈ ચંદુભાઈ વઘાસીયાને હોદા પરથી દુર કરવા આદેશ કર્યો છે. ઉપસરપંચ ધવલભાઈ વઘાસીયા સામે ઈન્ચાર્જ સરપંચના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય પર્વની ઉજવણી ખર્ચ અને એટીવીટી યોજનાની ગ્રાન્ટના સીસી રોડના કામો ખોટા રેકર્ડ બનાવી રૂ.52,59,200ની ઉચાપત કર્યાની ફરિયાદ થતાં પોલીસ અટકાયત બાદ 60 દિવસ સુધી જેલવાસ ભોગવતા ટીડીઓના અહેવાલ આધારે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ-59(1)ની જોગવાઈ હેઠળ ઉપસરપંચ ધવલભાઈ સી.વઘાસીયાને બાકી રહેલી મુદત અથવા કોર્ટના ચુકાદાની મુદત સુધી હોદા પરથી દુર રાખવા હુકમ કર્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના પક્ષકારોના હિતમાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં મહેસુલ વિભાગ (એસએસઆરડી) અને મહેસુલ પંચ (જીઆરટી)ની બેંચ શરૂ કરવાની માંગણી ઉઠાવી જુનિયર બાર એસોસિએશને આજે 28 ઓક્ટોબરના અધિક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને પણ આવેદન રવાના કરવામાં આવ્યું હતું.
આ અંગે જુનિયર બાર એસોસિએશનના પ્રમુખ ઝાકીરભાઈ આગરીયા અને ચેરમેન શિવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર રાજય માટે ખાસ સચિવ મહેસુલ વિભાગ (એસએસઆરડી)ની મુખ્ય અદાલત અને કચેરી સોલા- અમદાવાદ ખાતે કાર્યરત છે. જેના પગલે જિલ્લા કલેકટરોના જમીન મહેસુલ સબંધી આદેશો સામેની રિવિઝન અપીલ-અરજીઓની સુનાવણી માત્ર અમદાવાદ ખાતેથી જ થાય છે.
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લાઓ જેવા કે રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનર, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના છેવાડાના ગામડાઓમાંથી પક્ષકારો તથા વકીલોને માત્ર એક મુદત અથવા સુનાવણી માટે લાંબુ અંતર કાપીને અમદાવાદ સુધી ધકકા ખાવા પડે છે. તેના લીધે પક્ષકારોને ભારે આર્થિક નુકશાન અને સમયનો વ્યય થાય છે.જો રાજકોટ ખાતે કાયમી ધોરણે એક કોર્ટ બેંચ ફાળવવામાં આવે, તો અંદાજે 12થી વધુ જિલ્લાના હજારો ખેડૂતો અને પક્ષકારોને ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળી રહેશે.