એસ.ટી. બસનો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો

રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં 30 ડ્રાઇવર કંડક્ટરના ટેસ્ટ દરમિયાન એક ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવતા તેને તાત્કાલિક અસરથી છુટ્ટો કરી દેવામાં આવ્યો હતો. રાજકોટથી ભાવનગર જતી એસી લક્ઝરી બસનો ડ્રાઇવર બસ ઉપાડે તે પહેલા જ તેને નશાની હાલતમાં પકડી પાડી મુસાફરોની સુરક્ષા સુરક્ષિત કરવામાં આવી હતી.

આ મામલે એસ.ટી. બસમાં મુસાફરી કરતી યુવતીએ કહ્યું કે આ પ્રકારની રેગ્યુલર ચાલુ રહેવી જોઈએ જેથી મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે. જોકે, ખાનગી બસમાં આ પ્રકારનું કોઈ ચેકિંગ ન થતું હોવાથી સુરક્ષા સામે સવાલો ઊભા થતા હોવાનું પણ સામે આવ્યું હતું.

રાજકોટ એસ.ટી. વિભાગના વોલ્વોના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યું હતું કે, રાજકોટમાં મુસાફરોની સુરક્ષાને સુનિશ્ચિત કરવાના હેતુથી એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ બસ સ્ટેશન ખાતે ડ્રાઇવરો અને કંડક્ટરો માટે આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, એસી (AC) બસના ડ્રાઇવર યુવરાજસિંહ ગોહિલ પોતાની ફરજ પર જોડાતા પહેલા જ આલ્કોહોલ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.

આ બાબત સામે આવતા જ તેમને પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ તાત્કાલિક અસરથી તેમને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે. એસ.ટી. નિગમના જણાવ્યા અનુસાર, મુસાફરોનો એસ.ટી. નિગમ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે અને લોકોની મુસાફરી સુરક્ષિત રહે તે માટે આ પ્રકારની ડ્રાઇવ સતત દરેક બસ સ્ટેશન અને ડેપો પર ચાલુ જ રહે છે. હાલ ટ્રાફિકની સિઝન હોવાથી મુસાફરોને વધુ સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *