ચાલુવર્ષે અપૂરતા વરસાદને પગલે રાજકોટમાં જળસંકટ સર્જાય તેવી શક્યતા હતી. પણ આજે રાજકોટવાસીઓ માટે મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી દિવાળીના તહેવાર પહેલા જ રાજકોટ શહેરના મુખ્ય જળાશયો એવા આજી 1 અને ન્યારી 1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. રાજકોટનાં લોકોને પીવાના પાણીની કોઈ સમસ્યા થાય નહીં તે માટે સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમ ભરવાનું ટૂંક સમયમાં શરૂ કરવાની મેયર ડો. નેહલ શુક્લએ ખાતરી આપી છે.
રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું અથવા નહિવત રહ્યું છે, જેના કારણે પાણીની અછત સર્જાવાની સંભાવનાઓ રહેતી હોય છે પરંતુ, આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અત્યંત સજ્જ અને સતર્ક રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના કુશળ પૂર્વ આયોજનને કારણે રાજકોટની જનતાને પીવાના પાણીની કોઈ જ તકલીફ પડવા દેવામાં આવશે નહીં.
શહેર પાસે હંમેશા એક થી દોઢ મહિનાનો પાણીનો સ્ટોક હોય છે
સરકાર દ્વારા અગાઉ નક્કી કરવામાં આવેલા આયોજન મુજબ રાજકોટના તમામ જળાશયો અને ડેમો કે જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, તે તમામ ડેમો એટલે કે આજી-1 અને ન્યારી-1 ડેમને નર્મદાના શુદ્ધ નીરથી ભરી દેવામાં આવશે. પાણી વિતરણની વ્યવસ્થા પણ સુપેરે ચલાવવામાં આવશે જેથી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. રાજકોટવાસીઓએ પીવાના પાણી અંગે જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે શહેર પાસે હંમેશા એક થી દોઢ મહિનાનો પાણીનો જથ્થો સ્ટોકમાં ઉપલબ્ધ જ હોય છે.