દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતાં તેને તત્કાલિક અસરથી વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હીરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ ભભૂકતા 100 થી વધુ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે વડોદરામાં આ ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. જે બાદ ફ્લાઈટ 12.20 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી અને તે પછી રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ 1.11 વાગ્યે રવાના થઈ હતી.
પક્ષીઓની અવરજવરને નિયંત્રિત કરવા ફટાકડા ફોડવામાં આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટના આગમન પૂર્વ સુરક્ષા માટે અને પક્ષીઓની અવરજવરને નિયંત્રિત કરવા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન ફટાકડાના તણખા રનવે નજીકના સૂકા ઘાસ પર પડતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે રનવે પર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.
એર ટ્રાફિક કંટ્રોલની સૂચના મુજબ આકાશમાં 4 ચક્કર લગાવ્યા
દિલ્હીથી આવેલી ફ્લાઇટ તેના નિર્ધારિત સમય 10.25 વાગ્યે એરપોર્ટના આકાશમાં આવી પહોંચી હતી, પરંતુ લેન્ડિંગ મંજૂરી ન મળતા પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલની સૂચના મુજબ આકાશમાં 4 ચક્કર લગાવ્યા હતા. બીજી બાજુ ફાયર ટીમે તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવ્યો હતો. વિઝિબિલિટી સુધરતી ન હોવાથી લાંબી પ્રતિક્ષા બાદ ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે 100 થી વધુ મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હેમખેમ ઉતરાણ થતાં રાહત અનુભવી હતી. આ ઘટનાએ એરપોર્ટ પ્રશાસનની સુરક્ષા પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.