ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવાના કામમાં લાલીયાવાડી

રાજકોટ કોર્પોરેશન દ્વારા ઘરે-ઘરેથી કચરો લાવવા માટે ટીપરવાનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે શહેરના અનેક વિસ્તારોમાં ટીપરવાન નિયમિત આવતી નહીં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તો કેટલાક વિસ્તારોમાં ટીપરવાન સાથે આવતા લોકો કચરો લેવાનો ઇનકાર કરતા હોવાની ફરિયાદો પણ સમયાંતરે મળતી હોય છે. આ મામલે જનરલ બોર્ડમાં ખુદ શાસક પક્ષનાં કોર્પોરેટરો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેને લઈને મેયર અને સ્ટે. ચેરમેન એક્શન મોડમાં આવ્યા છે. અને એજન્સીઓનું 3 મહિનાનું રૂ. 33 કરોડનું બિલ રોકી દેવામાં આવ્યું છે. અને કોન્ટ્રાકટ લેતી વખતે સ્વચ્છતાની કરેલી મોટી-મોટી વાતો મુજબ કામ કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે.

એજન્સીઓનું છેલ્લા 3 મહિનાનું બિલ રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો
દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, હાલ ટીપરવાનની સેવા માટે અરહમ, એવરગ્રીન, તેમજ ઓમ સ્વચ્છતા નામની ત્રણ એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લે થયેલા 1100 કરોડનાં કોન્ટ્રાકટમાં તમામ એજન્સીઓ દ્વારા રાજકોટ શહેરને સ્વચ્છ કરવા માટે અને સ્વચ્છતાની બાબતમાં રાજકોટ શહેરનો રેન્ક ઉપર લાવવા માટેની ખાતરીઓ આપવામાં આવી હતી. જોકે એજન્સીઓ દ્વારા આ મુજબની કોઈ કામગીરી થતી નહીં હોવાનું સામે આવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે રાજકોટ શહેરના જ અનેક વિસ્તારોમાં ટીપરવાન નિયમિત આવતી નહીં હોવાની તેમજ સમયસર આવતી નહીં હોવાની ફરિયાદો વારંવાર અમને મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને એજન્સીઓને તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં કામમાં સુધારો નહીં થતા હવે એજન્સીઓનું છેલ્લા 3 મહિનાનું બિલ રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા કોન્ટ્રાકટ મુજબ એજન્સીઓને માસિક રૂ. 11 કરોડ જેવી મોટી રકમ ચુકવવામાં આવી રહી છે. જે મુજબ હાલ રૂ. 33 કરોડનું એજન્સીઓનું બિલ અટકાવી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં કામગીરીમાં સુધારો નહીં આવે તો વધુ આકરા પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *