રમતા-રમતા મોઢામાં મૂકેલી નાની બેટરી બે માસૂમ બાળકો માટે જોખમી બની હતી. રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં બેટરી ગળી જવાના બે કિસ્સા સામે આવ્યા છે.
જેમાં અઢી વર્ષના બાળકની બેટરી આંતરડા સુધી પહોંચતાં ગંભીર નુકસાન થયું હતું. જેનું ઓપરેશન કરીને બાળકનો જીવ બચાવાયો હતો. જ્યારે ત્રણ મહિનાની બાળકીના કિસ્સામાં તબીબી માર્ગદર્શન હેઠળની સારવાર બાદ બેટરી મળ વાટે કુદરતી રીતે બહાર નીકળી ગઈ હતી.
અઢી વર્ષના બાળકે રમતા-રમતા બેટરી ગળી લીધી હતી. આ કિસ્સામાં બેટરી પાચનતંત્રમાંથી પસાર થઈ આંતરડા સુધી પહોંચી હતી, જેના કારણે આંતરડાને ગંભીર નુકસાન થયું હતું અને બાળકની સ્થિતિ નાજુક બની હતી.
આ સ્થિતિમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં ડૉ. જયદીપ ગણાત્રા અને તેમની ટીમે 17 ઓક્ટોબરના બાળકનું જટિલ ઓપરેશન કર્યું હતું. સમયસર સર્જરી અને સારવાર મળતાં બાળકનો જીવ બચાવી શકાયો હતો.
બીજા કિસ્સામાં અંશી વિવેકભાઈ જોટનિયા નામની ત્રણ મહિનાની બાળકીએ બેટરી ગળી લીધી હતી. બાળકીની તપાસ બાદ તબીબી સલાહ મુજબ સારવાર કરવામાં આવી હતી અને બેટરી મળ વાટે કુદરતી રીતે બહાર નીકળી જતાં પરિવારને રાહત મળી હતી.