વિદેશ રહેતા યુવકની વારસાઈ મિલકત પચાવી પાડી

રાજકોટ શહેરમાં જમીન પચાવી પાડવા અને બોગસ દસ્તાવેજ બનાવવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનેડામાં સ્થાયી થયેલા એક યુવકના નામે આવેલી કિંમતી વંશપરંપરાગત જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી નાખવા માટે માસ્ટરમાઇન્ડો દ્વારા અસલી માલિકના બદલે એક ડમી માણસ ઊભો કરી સબ-રજીસ્ટ્રાર કચેરીમાં ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મામલે યુવકની બહેને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દાદાના અવસાન બાદ જમીન વસીયતનામા પ્રમાણે હતી
રાજકોટના પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ પર રહેતા હેમાબેન પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રાજકોટના જયરાજ પ્લોટ શેરી નં.4/11માં સિટી સર્વે નં.1142 પૈકીની 130.35 ચોરસ મીટર જમીન તેમના દાદા દેવજીભાઈ લક્ષ્મણભાઈ સાંકરીયાની માલિકીની હતી. દાદાના અવસાન બાદ આ જમીન તેમના પૌત્ર અને હેમાબેનના સગાભાઈ વિશાલભાઈ (જે હાલ કેનેડા રહે છે) ના નામે વસીયતનામા મુજબ હતી. વિશાલભાઈ સગીર વયના હોવાથી પિતા હરીશભાઈએ ગાર્ડિયનશીપ મેળવી હતી. જે બાદ વિશાલભાઈ 2023થી કેનેડા ખાતે પ્રાઇવેટ નોકરી માટે સ્થાયી થયા હતા અને ત્યારથી ભારત આવ્યા ન હતા. આ બાબતનો લાભ લઈને કેટલાક શખ્સોએ તેમની ગેરહાજરીમાં મોટું કાવતરું રચ્યું હતું.

સબ-રજીસ્ટ્રાર કચેરીમાં ડમી શખ્સ ઊભો કરી દસ્તાવેજ કરી નાખ્યો
ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ અને જયરાજસિંહ વિજયસિંહ જાડેજા નામના શખ્સોએ કેનેડા રહેતા જમીનમાલિક વિશાલભાઈના બદલે અન્ય કોઈ અજાણ્યા શખ્સને ડમી તરીકે ઊભો કર્યો હતો. આ ડમી શખ્સને અસલી વિશાલાભાઈ તરીકે ઓળખાવવા માટે રાહુલ મુકેશભાઈ ચાવડા અને દીપ ગોરધનભાઈ પરસાણીયાએ ખોટી ઓળખ આપી સાક્ષીઓ બન્યા હતા. એટલું જ નહીં, ખોટા સોગંદનામા અને દસ્તાવેજો બનાવી સબ-રજીસ્ટ્રાર કચેરી-1માં રજૂ કરી ઉત્તમસિંહ રાઠોડ અને જયરાજસિંહ જાડેજાના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *