રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે પડધરી તાલુકાના ખંભાળા ગામે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત સખી મંડળો અને સ્વસહાય જૂથોની બહેનો દ્વારા કરવામાં આવેલી લોન અરજીઓની સ્થિતિની ઓચિંતી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્વસહાય જૂથોની બહેનોની લોન અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાનું ધ્યાને આવતાં જિલ્લા વિકાસ અધિકારીએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બેંક મેનેજરો અને સંબંધિત અધિકારીઓની બેદરકારી સામે લાલઘૂમ થઈને આક્રમક શૈલીમાં ઉધડો લીધો હતો.
DDO અનંદુ સુરેશ ગોવિંદે અધિકારીઓને ખખડાવતા કડક શબ્દોમાં કહ્યું કે, આ આ વ્યાજબી નથી, એક મહિનો તમારી શું સિસ્ટમ છે? એક મહિનાથી તમે રજા ઉપર હોય તો તમારું કામ બીજાને નહીં આપવાનું? આ રીતે નહીં ચાલે, આ આખા એન.આર.એલ.એમ. ટીમને લાસ્ટ સૂચના છે. આમ કહી મહિલાઓની લોન માટેની અરજીઓ મુદ્દે તાત્કાલિક કામ કરવા આદેશ આપ્યા છે
ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને અને સ્વરોજગાર તથા નાના વ્યવસાયો દ્વારા પોતાની આજીવિકાની તકોમાં વધારો કરી શકે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ બેંકિંગ તંત્રની ઉદાસીનતા અને અધિકારીઓની આળસના કારણે ગરીબ મહિલાઓની લોન અરજીઓ મહિનાઓ સુધી દબાઈ રહે છે, જેની ગંભીર નોંધ લઈને ડીડીઓએ રૂબરૂ આર.ડી.સી. બેંકની મુલાકાત લીધી હતી. બેંકમાં પેન્ડિંગ રહેલી અરજીઓની સ્થિતિનો રૂબરૂ અભ્યાસ કર્યા બાદ સ્થળ ઉપર જ તમામ અરજીઓનો તત્કાલ નિકાલ કરવા માટે આદેશ આપ્યા હતા.
7 દિવસમાં પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા તાકીદ
સખી મંડળો અને સ્વસહાય જૂથોની બહેનોને ધિરાણ સહાય મેળવવામાં કોઈપણ પ્રકારનો બિનજરૂરી વિલંબ ન થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંબંધિત અધિકારીઓને માત્ર સાત દિવસની અંદર જ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા મિશન મોડમાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, લોન અરજીઓની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી એ બેંકિંગ વ્યવસ્થાની મુખ્ય જવાબદારી છે અને તેમાં કોઈપણ પ્રકારની શિથિલતા કે બેદરકારી જરાય ચલાવી લેવામાં આવશે નહીં.