રાજકોટમાં રહેતા 26 વર્ષીય શ્રમિક યુવક યુવરાજ થાપાનું શ્રદ્ધા રાજપૂત સાથેના પ્રેમસંબંધમાં બ્લેકમેલિંગ અને આર્થિક શોષણથી કંટાળીને ઝેરી દવા પી લેવાને કારણે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. શ્રદ્ધા અને તેના સાથીદાર એવા સ્પા સંચાલક મેહુલ જેઠવા સહિતના દ્વારા નેપાળી યુવાનને બ્લેકમેલ કરી તેની પાસેથી રૂ.6 લાખની રોકડ અને સોનાના દાગીના પડાવી લીધા હતાં. ન્યૂડ ફોટા બતાવી બ્લેકમેલ કરતા કંટાળીને શ્રમિક યુવાને વિજયા દશમીના દિવસે આજી ડેમ પહોંચી ઝેરી દવા પી લીધી હતી. આજે (25 ઓક્ટોબર) સવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા પરિવારજનો અને નેપાળી સમાજમાં શોકની લાગણીની સાથે રોષ ફેલાયો છે.
નેપાળી સમાજના પ્રમુખ સંજય કારકીએ જણાવ્યું કે, દશેરાના દિવસે અમારા નેપાળી સમાજના 26 વર્ષીય યુવાન યુવરાજ કેતનભાઈ થાપાએ કોઈ કારણોસર આજી ડેમમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે
તેમણે વધુમાં કહ્યું કે, શ્રદ્ધા રાજપૂત અને મેહુલ જેઠવા, આ બંને શખ્સો યુવરાજને ન્યૂડ ફોટો બતાવી બ્લેકમેલ કરતા હતા. આ ઉપરાંત રૂ.5થી 6 લાખ રોકડ અને સોનાના દાગીના એ લોકોએ પડાવી લીધા હતા. મેહુલ જેઠવા પ્રેસમાં હોવાનું કહી ધમકાવતો હતો અને શ્રદ્ધા યુવરાજ સાથે રિલેશનમાં હતી અને રિલેશનમાંથી છૂટ્યા પછી એને અવારનવાર બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હતા અને જેના ત્રાસથી આ યુવાન મરવા મજબૂર બન્યો હતો.
પરિવારનો એકનો એક દીકરો હતો
અમારી માગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય અને પરિવારજનોને ન્યાય મળે. તંત્ર આની ઉપર ધ્યાન આપે તે જરૂરી છે, કારણ કે યુવરાજ તેના પરિવારનો એકનો એક દીકરો હતો. ઘરનો આશરો છીનવાઈ જતાં પરિવાર એકદમ સંકટમાં મુકાઈ ગયો છે. આ બનાવની જાણ થતા સમસ્ત નેપાળી પરિવાર દુઃખની લાગણી અનુભવી રહ્યો છે.