રાજકોટની કંપની સાથે રૂપિયા 5.44 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં આરોપી દ્વારા પોતે ફેબ્રિક કાપડની ખરીદી કરવા માટે વાતચીત કરી પ્રથમ એક બે વખત માલ ખરીદ કરી રૂપિયા સમયસર આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ₹8.97 કરોડની કિંમતની ખરીદી કરી માત્ર ₹3.52 કરોડ ચૂકવ્યા હતા અને બાકીના ₹5.44 કરોડ ન ચૂકવી માલ બારોબાર વેચી દીધો હતો. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મેક્સિકોથી નંબર મળ્યાનું કહી કાપડ ખરીદી માટે કંપનીના સેલ્સ હેડનો સંપર્ક કર્યો
ફરિયાદી કેનીલ ભાવેશભાઇ સરધારાએ જણાવ્યું હતું કે, અમારી કંપની કિઆન-એમ એકસપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર રાજેશભાઇ પરશોતમભાઇ માલવીયા તથા તેમનો દીકરો દર્શ માલવીયા છે. કંપની દ્વારા તારીખ 01.04.2022થી મને લીગલ કામ માટે ઓથોરાઇઝ કરવામા આવ્યો છે. ડિસેમ્બર, 2024માં અમારા સેલ્સના એક્સ્પોર્ટ હેડ તરીકે કામ કરતા તૃષાબેન પટેલનો આરોપી પ્રેમચંદ મિતલે સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓએ તેમનો નંબર મેક્સિકોથી મેળવ્યો છે અને તેમને અમારી કંપનીમાંથી ફેબ્રિક કાપડની ખરીદી કરવી છે. જેથી તૃષાબેને કંપનીની વિઝીટ કરવા માટે બોલાવ્યા હતા.
બંને પક્ષો વચ્ચે મુલાકાત અને પેમેન્ટની ખાતરી મળતાં કંપની દ્વારા કાપડ સામાનની સપ્લાય
ડિસેમ્બર 2024માં પ્રેમચંદ મિતલ અમારી કંપનીમાં તૃષાબેન પટેલને મળ્યા હતા અને ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં દિલ્હી ખાતે ભારત મંડપમમાં ફેબ્રીકેશનને લગત એક્ઝિબિશન યોજાયો હતો. જેમાં અમારી કંપનીનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે આરોપી પ્રેમચંદએ એક્ઝિબિશનમાં પણ અમારી કંપનીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને માલ મેળવતી વખતે પ્રેમચંદએ અમારી કંપની સાથે નિયમિત વેપારી વ્યવહાર અને પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી. આથી તેઓની વાત ઉપર વિશ્વાસ રાખીને અમારી કંપનીએ તેમને કાપડનો માલ-સામાન આપ્યો હતો.