કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા અમદાવાદમાં કબડ્ડીનો મહાકુંભ શરૂ

ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ હવે ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે. 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની પહેલા, અમદાવાદ શહેર આગામી 23થી 31 ઓક્ટોબર દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026’ની યજમાની કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ 9 દિવસીય મહાસંગ્રામમાં 13 દેશોની 23 ટીમો વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે.

62 મેચોમાં રમાશે વર્લ્ડ ક્લાસ કબડ્ડી
એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (AKFI) દ્વારા અને ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (IKF)ની મંજૂરીથી આયોજિત આ ચેમ્પિયનશિપમાં 400થી વધુ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. ટુર્નામેન્ટ દરમિયાન કુલ 62 મેચો રમાશે, જેમાં 39 મેન્સ અને 23 વુમન્સ મેચોનો સમાવેશ થાય છે. આ પ્રથમ વખત છે જ્યારે બંને કેટેગરીમાં કોમનવેલ્થ ચેમ્પિયન્સનો તાજ કોઈ ટીમને પહેરાવવામાં આવશે. 30 ઓક્ટોબરે સેમિફાઇનલ અને 31 ઓક્ટોબરે ગ્રાન્ડ ફાઇનલ મુકાબલો રમાશે.

ભારતીય ટીમની કમાન કોના હાથમાં?
બુધવારે યોજાયેલી કર્ટન-રેઝર પ્રેસ કોન્ફરન્સમાં ઓફિશિયલ જર્સી, એન્થમ, લોગો અને માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતીય મેન્સ ટીમની કેપ્ટનશીપ સ્ટાર ડિફેન્ડર સુરજીત સિંહને સોંપાઈ છે, જ્યારે નવીન કુમાર વાઇસ-કેપ્ટન રહેશે. વુમન્સ ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશે અને રિતુ વાઇસ-કેપ્ટન તરીકે ફરજ બજાવશે. આ સ્પર્ધામાં ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, નાઇજીરીયા, કેન્યા, તાન્ઝાનિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયા, યુગાન્ડા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો ભાગ લઈ રહી છે.

ઈન્ટરનેશનલ સ્તરે રમતનો વ્યાપ વધારવાનો લક્ષ્યાંક
આ ચેમ્પિયનશિપ “One Breath. One Raid. One Commonwealth.” થીમ પર રમાશે. આ ચેમ્પિયનશિપથી કોમનવેલ્થ ગેમ્સમાં કબડ્ડીના સમાવેશ માટેનો પક્ષ વધુ મજબૂત બનશે. AKFIના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પ્રાણ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ ચેમ્પિયનશિપની યજમાની કરવી એ ભારતીય કબડ્ડી માટે ગર્વની ક્ષણ છે.” જ્યારે IKFના જનરલ સેક્રેટરી તેજસ્વી ગેહલોતે તેને કબડ્ડીની આંતરરાષ્ટ્રીય પહોંચ વધારવા અને ખેલાડીઓને નવું વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *