રાજકોટમાં દુષ્કર્મના કેસમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ., પી.એસ.આઈ. અને એ.એસ.આઈ. સામે ગુનો નોંધવાના નીચલી અદાલતના હુકમ પર રાજકોટની એડિશનલ સેશન્સ કોર્ટે સ્ટે ફરમાવ્યો છે. પોલીસ અધિકારીઓ વતી એડવોકેટ સુરેશ ફળદુ સહિતની ટીમે રિવિઝન અરજી કરી હુકમને પડકાર્યો હતો.
મળતી માહિતી મુજબ, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 5 મે, 2026ના રોજ કેયુર જયેશભાઈ જોષી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ આરોપીએ પોતે ફરિયાદી બની દુષ્કર્મનો આરોપ મૂકનાર યુવતી, તેની મિત્ર તથા પોલીસના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ ખોટી ફરિયાદ, ધરપકડ અને ચાર્જશીટ કર્યાનો આક્ષેપ કરીને અરજી કરી હતી.
આ અરજીના આધારે નીચલી અદાલતે 19 સપ્ટેમ્બર, 2026ના રોજ સંબંધિત પોલીસ અધિકારીઓ સહિતના લોકો સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. આ હુકમને પી.આઈ. જયદીપસિંહ પરમાર, પી.એસ.આઈ. ચેતના અજોડિયા અને એ.એસ.આઈ. નિલેશ મકવાણાએ રિવિઝન અરજી મારફતે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.