રાજકોટમાં માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા છે. પોલીસે 18.77 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કબજે કર્યું છે. જ્યારે અન્ય બનાવવામાં શહેરના કુબલીયાપરામાં “સામું કેમ જુઓ છો” તેમ કહી યુવાન પર 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટના બેડીપરા ચોકડીથી ભગવતીપરા તરફના રસ્તે એસઓજીની ટીમે બાતમીના આધારે કારને રોકીને તપાસ કરતા કારમાં સવાર મૂળ વેરાવળના અને હાલ રાજકોટ રહેતા મૌલિક અશોકભાઈ જેઠવા અને ગૌરાંગ અશોકભાઈ પરડવા નામના બે શખ્સો પાસેથી રૂ.53,310 ની કિંમતનું 18.77 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને કાર સહિત કુલ રૂ. 6,66,940 નો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પૂછતાછમાં આ જથ્થો અમદાવાદથી લાવ્યા હોવાનું અને અહીં છૂટકમાં વેચાણ કરવાના હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી મૌલિક અસલ અગાઉ પણ એનડીપીએસના ગુનામાં સંડોવાયેલો હતો અને દોઢેક મહિના પહેલા જ જેલમુક્ત થયો હતો.
સામાન્ય બાબતે યુવાન પર છરી, તલવારથી જીવલેણ હુમલો
રાજકોટના કુબલીયાપરામાં “સામું કેમ જુઓ છો” તેવા સામાન્ય પ્રશ્ને ઉશ્કેરાઈને પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ એક યુવાન પર છરી અને તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આજીડેમ ચોકડી પાસે રહેતા મનીષ ઉર્ફે મનીયો રાઠોડ નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ મહેશ જીતુ સોલંકી, તેના પુત્ર ટકો અને તેના મામા કૃણાલ ઉર્ફે પબ્બો દેવીપૂજકે ઝઘડો કરી છરીના અને તલવારના ઘા ઝીંકી દીધા હતા. યુવાનને છોડાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી મહેશ સોલંકીની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પેટ્રોલ પંપ પર યુવાનને સામાન્ય બોલાચાલીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
રાજકોટ તાલુકાના નારણકા ગામે પ્રિન્સા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયેલા યુવાન અને તેના બનેવી સાથે પંપ પર સામાન્ય બોલાચાલી થયા બાદ એક શખ્સે ઉશ્કેરાઈને ઓફિસ પાછળથી ધારીયું લાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મૂળ માળીયાહાટીનાના અને હાલ લોઠડા ગામે રહેતા કુલદીપ જગમાલભાઈ બારડે નોંધાવેલી ફરિયાદ મુજબ, નીતિન કિશોર વાળા નામના શખ્સે ગાળાગાળી કરી ધારીયા વડે ડરાવ્યા હતા અને બાદમાં યુવાનના ઘર સુધી પીછો કરી અવરજવર કરી હતી. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.