ઇઝરાઇલમાં નેતન્યાહૂની ખુરશી પર સંકટ

ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ખુરશી પર સંકટ તોળાઈ રહ્યું છે. 27 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી પહેલાં આવેલા 4 મુખ્ય સર્વેમાંથી 2માં વિપક્ષી પક્ષ આગળ છે, જ્યારે એકમાં બંને પક્ષો બરાબરી પર છે અને એકમાં નેતન્યાહૂની પક્ષ આગળ છે.

કોઈપણ સર્વેમાં એકપણ પક્ષને સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો મળતી દેખાઈ રહી નથી. આવી સ્થિતિમાં ચૂંટણી બાદ સત્તાની ચાવી નાના પક્ષોના હાથમાં જઈ શકે છે.

ઇઝરાયલની સંસદમાં કુલ 120 બેઠકો છે. સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછા 61 બેઠકોનું સમર્થન જરૂરી છે. ચૂંટણી પહેલાં આવેલા ચાર મુખ્ય સર્વેમાં કોઈપણ પક્ષને આ આંકડો મળતો દેખાઈ રહ્યો નથી.

યેરુશલમના મહાને યેહુદા બજારમાં ચૂંટણીના પોસ્ટરો વચ્ચે 76 વર્ષીય ફળવિક્રેતા અબ્રાહમ લેવીને વિશ્વાસ છે કે નેતન્યાહૂ ફરી સરકાર બનાવશે. તેઓ કહે છે, ‘નેતન્યાહૂએ પોતાનું કામ પૂરું કરવાનું છે.’

પરંતુ આ જ શહેરની જાફા સ્ટ્રીટ પર દુકાનદાર ઇલ્ડાનો અભિપ્રાય અલગ છે. તેમનું કહેવું છે કે હમાસના હુમલાની જવાબદારી નેતન્યાહૂએ લેવી જોઈએ. તેલ અવિવના જાફા વિસ્તારમાં રહેતા તુર્ગેમાન પણ પરિવર્તન ઇચ્છે છે. તેઓ કહે છે કે તેઓ ગાદી આઇઝનકોટનું સમર્થન કરશે.

લોકોના આ જુદા જુદા અભિપ્રાયો ઇઝરાયલના ચૂંટણી માહોલને દર્શાવે છે. અહીં કેટલાક લોકો નેતન્યાહૂને ફરી તક આપવા માગે છે, તો કેટલાક હમાસના હુમલા બાદ સરકારની જવાબદારી નક્કી કરવાની માગ કરી રહ્યા છે.

ઇઝરાયલમાં 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસના હુમલામાં આશરે 1,200 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ગાઝામાં ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી દરમિયાન 74 હજારથી વધુ પેલેસ્ટિનિયનોનાં મોત થઈ ચૂક્યાં છે. આશરે ત્રણ વર્ષ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં સુરક્ષા, હમાસના હુમલાની જવાબદારી અને નેતન્યાહૂનું નેતૃત્વ મોટા મુદ્દા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *