રાજકોટ શહેરમાં આપઘાતની ઘટના સામે આવી છે. લેન્ડમાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધે એસિડ પી આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ પોતે છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી બીમારીથી કંટાળી સતત માનસિક તણાવમાં રહેતા હોવાથી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
લાંબા સમયથી અલગ-અલગ ગંભીર બિમારીઓ લાગુ પડી હતી
રાજકોટના નાનામવા રોડ પર ન્યુ ગાંધી સ્કૂલ સામે આવેલા લેન્ડમાર્ક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.401માં રહેતા 65 વર્ષીય વાલજી રાઘવજી બોદર પોતાના ઘરે એકલા હતા, ત્યારે એસિડ પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વાલજીભાઈને લાંબા સમયથી અલગ-અલગ ગંભીર બિમારીઓ લાગુ પડી હતી અને તેમણે પાંચે વખત જુદી જુદી સર્જરી પણ કરાવી હોવાનું સામે આવ્યું છે. સતત દવા-સારવાર કરાવવા છતાં કોઈ રાહત ન મળતા માનસિક તણાવમાં રહેતા હોવાથી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
એકલતાનો લાભ લઇ એસિડ પી લીધું
મૃતક વાલજીભાઈના પત્નીનું અવસાન થયા બાદ તેઓ નાના દીકરા અને વહુ સાથે રહેતા હતા. પરિવારજનો મોટા દીકરાના ઘરે ગયા હતા ત્યારે એકલતાનો લાભ લઇ વાલજીભાઈએ એસિડ પી લીધું હોવાનું સામે આવતા તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.