નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની ઉંમરે નિધન થયું. ગોવા સ્થિત તેમના ઘરમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ તેમને લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
નાના પાટેકરનો પાર્થિવદેહ પુણે લાવવામાં આવ્યો, જ્યાં ડોંજે ગામમાં રાત્રે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને શ્રદ્ધાંજલિ આપી. અભિનેતા જેકી શ્રોફ અને દિગ્દર્શક અનિલ શર્મા પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા અને નાનાને અંતિમ વિદાય આપી.
મણિપાલ હોસ્પિટલના ડૉ. શેખર સાલકરના જણાવ્યા અનુસાર નાના પાટેકરનું સવારે 5:20 વાગ્યે અવસાન થયું. ઘટના સમયે નાના સાથે ઘરે પરિવારનો કોઈ સભ્ય હાજર નહોતો. તેમના મિત્રો અને કેરટેકર હાજર હતા.
નાના પાટેકરનો 4 દિવસ જૂનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. તેમાં નાના પાટેકર ઢોલ વગાડતા, ડાન્સ કરતા અને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું, “આપણે સૌએ એક દિવસ જવાનું છે. ખબર નથી કે હું આવતીકાલે અહીં હોઈશ કે નહીં.”