સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 61મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 132 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તો 45,924 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અગાઉ રીક્ષા અને સાયકલ પણ વિદેશથી આયાત કરવી પડતી હોવાનું નિવેદન આપી છેલ્લા 12 વર્ષમાં વિકાસને નવી ગતિ મળી હોવાનું જણાવ્યું હતું.
આ વિકાસમાં અમૂક લોકો વિક્ષેપ કરતા હોવાનું કહી વિરોધ પક્ષ પર નિશાન તાક્યું હતું. જ્યારે રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગાએ અગાઉ કોલેજના વિદ્યાર્થીઓનું કામ માત્ર તોફાન, મસ્તી, હડતાળ, આંદોલન અને નકારાત્મકતા અને તોડફોડ જેવી પ્રવૃત્તિઓમાં વ્યતિત થતો હોવાનું વિવાદિત નિવેદન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 61મો પદવીદાન સમારંભ તા.8 ઓક્ટોબરના રોજ ગુજરાતના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તેમજ રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગા, જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટીફીક રીસર્ચ, બેંગલુરુના સાયન્ટીસ્ટ અને પ્રેસીડેન્ટ કે.એસ. નારાયણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 45,924 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 132 ગોલ્ડ મેડલ તેમજ 227 પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા. દાતાઓ તરફથી કુલ 60 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 72 ગોલ્ડ મેડલ મળીને કુલ 132 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. દાતાઓ તરફથી કુલ 114 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 113 પ્રાઈઝ મળીને 227 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરાયા હતા.