આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિંમતનગરમાં ગત રાત્રિના ગ્લોરીયસ સ્કૂલમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક જગ્યાએ 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. એટલુ જ નહિ પણ આ 8000 દીવાઓમાં રામ મંદિર, ભગવાન શ્રીરામ, સરસ્વતી દેવી, શંખ અને સ્વસ્તિકની આકૃતિઓ બનાવતા આલ્હાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.
8000 દીવડા પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી
હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલી ગ્લોરીયસ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વના પ્રારંભ પૂર્વે બુધવારની રાત્રે સ્કૂલના મેદાનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ સાથે મળીને એક જગ્યા પર 8000 દીવડા પ્રગટાવી ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
દર વર્ષની જેમાં આ વર્ષે પણ દિવાળી પર્વની ઉજવણીના આયોજનમાં ચાર દિવસથી સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓએ એક સાથે મળીને સ્કૂલના મેદાનમાં પ્રથમ ચોક વડે રામ મંદિર, સરસ્વતી દેવી, ભગવાન શ્રીરામ, શંખ અને સ્વસ્તિકના ચિત્રો દોર્યા હતા. ત્યાર બાદ સૌ સાથે મળીને કોડિયામાં રૂની દિવેટ અને 45 લીટર તેલ વડે દીવડાને ગોઠવવામાં આવ્યા હતા.
દિવાળીના પ્રારંભ પૂર્વે બુધવારની રાત્રિએ સ્કૂલમાં અલગ અલગ જગ્યાએ કલ્પનાના કલરોની રંગોળી બનાવવામાં આવી હતી. શિક્ષક, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટ્રસ્ટીઓ એક સાથે મેદાનમાં સુસજ્જ રીતે ગોઠવવામાં આવેલા દીવડાઓને પ્રગટાવી અજવાળું પાથર્યું હતું.