ગુવાહાટી નાઈટક્લબમાં મહિલા સાથે દુર્વ્યવહાર, કપડાં ઉતારીને મારપીટ

અસમના ગુવાહાટીના ખાનાપારા વિસ્તારમાં આવેલી એક નાઈટક્લબમાં ગુરુવારે મોડી રાત્રે મહિલા સાથે મારપીટ અને દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો. આરોપ છે કે બાઉન્સરોએ મહિલાનાં કપડાં ઉતારીને તેને માર માર્યો. મામલો ધ લોકલ્સ કેફે એન્ડ લાઉન્જનો છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમાં મહિલા પાર્કિંગ વિસ્તારમાં જમીન પર નિર્વસ્ત્ર હાલતમાં દેખાય છે. બે મહિલાઓ તેને લાત મારતી નજરે પડે છે, જ્યારે અનેક પુરુષો આસપાસ ઊભા છે. પોલીસે ક્લબ મેનેજરને કસ્ટડીમાં લીધો છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, બિલ્ડિંગના સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે મહિલા પોતાના કેટલાક મિત્રો સાથે ક્લબમાં પહોંચી હતી. ક્લબની અંદર તેણે બીયરની બોટલથી એક બાઉન્સરને માર્યો હતો.

ત્યારબાદ અન્ય બાઉન્સરો તેને પકડીને ચોથા માળેથી નીચે પાર્કિંગ વિસ્તારમાં લઈ આવ્યા. જોકે, વિવાદની શરૂઆત શા માટે અને કેવી રીતે થઈ, તે જાણી શકાયું નથી.

ગાર્ડના જણાવ્યા મુજબ, પાર્કિંગમાં લાવ્યા બાદ બાઉન્સરોએ મહિલા સાથે મારપીટ કરી. તેના શરીરના ઉપરના ભાગનાં કપડાં પણ ઉતારી દીધાં.

એક વ્યક્તિ મહિલાને ઉંચકતો જોવા મળ્યો

ત્યાં હાજર કોઈ વ્યક્તિએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા જમીન પર પડેલી જોવા મળે છે. તેના શરીરના ઉપરના ભાગ પર કપડાં નહોતાં, જ્યારે નીચે કાળા રંગનું પેન્ટ પહેરેલું હતું. બે મહિલાઓ તેને લાત મારતી જોવા મળે છે.

અન્ય એક વીડિયોમાં એક પુરુષ મહિલાને હાથથી ઉઠાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. ત્યારબાદ એક કાર સામે આવી જાય છે, જેના કારણે થોડા સમય માટે કેમેરાનું દૃશ્ય ઢંકાઈ જાય છે. ત્યારબાદ મહિલા ત્યાં દેખાતી નથી, જ્યારે કેટલાક પુરુષો પરસ્પર વાતચીત કરતા નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *