ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિમાન દુર્ઘટના અટકાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીની પ્રશંસા કરી છે. નેતન્યાહૂએ X પરની પોસ્ટમાં લખ્યું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મચ્છારે હુમલાખોરનો સામનો કર્યો. તેઓ સાચા હીરો છે.
ઇઝરાયલી PMએ કહ્યું- કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી, જેના કારણે મુસાફરો અને ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લઈ લીધો. કેપ્ટનના કારણે 174 લોકોના જીવ બચ્યા. તેમાં ઇઝરાયલી નાગરિકો ઉપરાંત અન્ય દેશોના લોકો પણ સામેલ હતા.
હકીકતમાં, બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ઉડાન દરમિયાન ભારતીય પાયલટ સ્મિત પર તેમના કો-પાયલટે છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન વિમાન આશરે 34 હજાર ફૂટની ઊંચાઈ પરથી અચાનક 17 હજાર ફૂટ નીચે આવી ગયું. બાદમાં વિમાનનું સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં આ ઘટના બુધવારે સવારે લગભગ 9 વાગ્યે બની હતી. વિમાનમાં 174 મુસાફરો સવાર હતા, જેમાં 27 બાળકો સામેલ હતા. મોટાભાગના મુસાફરો ઇઝરાયલી હતા. અહેવાલો અનુસાર, હુમલા પહેલાં બંને પાઇલટો વચ્ચે મારામારી થઈ હતી.
ત્યારબાદ કો-પાયલોટે ભારતીય કેપ્ટન સ્મિત પર ચાકુ વડે હુમલો કર્યો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. એક મુસાફર અને ક્રૂ મેમ્બર કોઈક રીતે કોકપિટ સુધી પહોંચવામાં સફળ થયા. ત્યારબાદ અન્ય ક્રૂ મેમ્બર પણ કોકપિટમાં પહોંચ્યા અને વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરી.
જોકે, મુસાફર અને ક્રૂ મેમ્બર ફ્લાયદુબઈના કોકપિટમાં કેવી રીતે ઘૂસ્યા તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે કોકપિટના દરવાજા બળજબરીથી ખોલવાના પ્રયાસોને રોકવા માટે મજબૂત બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઉડાન દરમિયાન સુરક્ષાના કારણોસર કોકપિટનો દરવાજો લૉક રહે છે. 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા બાદ આ વિમાન સુરક્ષાનો નિયમ બની ગયો હતો.