ખોડિયાર મંદિર પાસે અજય વે બ્રિજ સામે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા, રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પરની ઘટના

રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર આજરોજ સાંજે કુવાડવા રોડ પર અજય વે બ્રિજ સામે, ખોડિયાર માતાના મંદિર પાસે આવેલા જળાશયમાં ગણેશજીની પ્રતિમા પધરાવવા ગયેલા પિતા-પુત્ર સહિત 3 લોકો અંદાજે 20થી 22 ફૂટ જેટલા ઊંડા પાણીમાં અચાનક ગરકાવ થઈ ગયા હતા. તહેવારના ઉત્સાહ વચ્ચે બનેલી આ ઘટનાથી શોકનો માહોલ સર્જાયો હતો.

ફાયર ટીમે 10-12 મિનિટમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ત્રણેયને બહાર કાઢ્યા
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ કંટ્રોલ રૂમ ખાતે રેસ્ક્યુ કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ERC ઈમરજન્સી સ્ટેશનથી રેસ્ક્યુ વાહન અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક કુવાડવા રોડ, અજય વે બ્રિજ સામે આવેલ ખોડિયાર માતાના મંદિર પાસેના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચીને ફાયર બ્રિગેડના જવાનો અને રેસ્ક્યુ ટીમે તુરંત જ પાણીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર ટીમના જવાનો દ્વારા આશરે 10થી 12 મિનિટની ભારે જહેમત અને મશક્કત બાદ પાણીની ઊંડાઈમાંથી ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, તેમને બહાર કાઢતા સુધીમાં ત્રણેયના મોત થઈ ચૂક્યા હતા.

ઊંડા પાણીમાં ડૂબી જવાથી જીવ ગુમાવનારા ત્રણેય મૃતકોની ઓળખ નયનભાઈ ચૌહાણ, ધીરુભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ ચૌહાણ તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતકો એક જ ચૌહાણ પરિવારના હોવાનું સામે આવ્યું છે, ધીરુભાઈ અને નયનભાઈ બાપ-દીકરો અને નરેન્દ્ર ધીરુભાઈનો ભત્રીજો છે. વિસર્જનની ધાર્મિક વિધિ વેળાએ અચાનક પગ લપસી જતાં કે પાણીના ઊંડાણમાં ખેંચાઈ જતાં આ ત્રણેય ડૂબી ગયા હતા. એક જ પરિવારના ત્રણ મોભી/યુવાનોના અણધાર્યા અવસાનથી પરિવારજનોમાં કલ્પાંત ફેલાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *