ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક મહિનો પૂરો થયો છે. આ દરમિયાન સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ પીએમ મોદી સાથે યુદ્ધને લઈને ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું- ભારત પેલેસ્ટિનિયનો પર અત્યાચાર રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવે તેવી અપેક્ષા છે. પેલેસ્ટિનિયનોની હત્યા પર તમામ મુક્ત દેશો ગુસ્સે છે.
રઈસીએ કહ્યું- જો નાઝીઓ સામે યુરોપની લડાઈ હિંમતનું કામ હતું, તો બાળકોની હત્યા કરનાર યહૂદી શાસન સામેની લડાઈને વખોડી શકાય નહીં. તો, પીએમ મોદીએ તણાવને રોકવા, માનવતાવાદી સહાય પૂરી પાડવા અને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ ઉપરાંત ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ, બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર પણ ચર્ચાનો મુદ્દો હતો.
બીજી તરફ, ‘જેરુસલેમ પોસ્ટ’ અનુસાર, ભારતમાં રહેતા યહૂદી સમુદાયના લગભગ 200 લોકો હાલમાં IDFને સમર્થન આપી રહ્યા છે. તે બધા નેઇ મેનાશે સમુદાયના છે. શેવી ઈઝરાયલ નામના એનજીઓએ આ જાણકારી આપી છે.
આ મુજબ તાજેતરના દિવસોમાં 75 લોકો ઈઝરાયલ પહોંચ્યા હતા. તે તમામ ટ્રેઈન્ડ ફાયટર છે. જેમાંથી કેટલાક એક્ટિવ પોસ્ટ પર છે અને કેટલાકને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. શેવી સંસ્થા વિશ્વના જુદા જુદા ભાગોમાં રહેતા ઈઝરાયલ માટે કામ કરે છે. નેઈ મેનાશે સમુદાય ઇઝરાયલની લુપ્ત થઈ ગયેલી આદિજાતિમાંથી આવ્યો હોવાનું કહેવાય છે.