દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદૂષણની સમસ્યા પર મંગળવારે (7 નવેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જસ્ટિસ કૌલે પરાળી સળગાવવા પર રાજ્ય સરકારોને કડક આદેશ આપ્યા હતા. ખંડપીઠે કહ્યું હતું કે અહીં પરાળી સળગાવવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ. હવે ધીરજ ખૂટી છે. જો અમે પગલાં લઈશું તો અમારું બુલડોઝર અટકશે નહીં.
સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને એ સુનિશ્ચિત કરવા પણ આદેશ આપ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ઘન કચરાને ખુલ્લામાં બાળે નહીં, કારણ કે દિલ્હીને દર વર્ષે પ્રદૂષણ સાથે સંઘર્ષ કરવા માટે છોડી શકાય નહીં.
જસ્ટિસ કૌલે કેન્દ્ર સરકારને ખેડૂતોને સબસિડી આપવા અને તેમને અન્ય પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું, જેથી શિયાળા પહેલાં પરાળી બાળવાનું બંધ કરી શકાય. કેસની આગામી સુનાવણી 10 નવેમ્બરે થશે.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણના વધતા જતા ખતરનાક સ્તરને ઘટાડવા માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે. છેલ્લા 8 દિવસથી અહીંની હવા ખૂબ જ ખરાબ છે. સોમવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 470 હતો.