રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તેમણે પત્ર વખતા જણાવ્યું, નકલી બિયારણ દ્વારા ખેડૂતને થતી છેતરપિંડી એ એક ચિંતાજનક વિષય છે. આ માટે સરકાર દ્વારા નકલી બિયારણનું વહેંચાણ કરતા વેપારીની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વેપારી પાસેથી ખેડૂતોને વળતર ભરપાઈ કરાવવી જોઇએ.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, મારી પાસે ખેડૂતોની રજૂઆત આવી છે અને હું પણ ખેડૂત પુત્ર છું. માટે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મારે વાત થયા પછી પત્ર લખ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. જે વેપારી પકડાઈ તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવી જોઈએ.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ વેચાતું હોવાનું થોડું ધ્યાનમાં આવ્યું છે. સરકારની આંખ અને કાન બનીને મને જાણ થાય એટલે હું સરકારમાં રજૂઆત કરૂં છું. ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ અંગે મેં સરકારમાં રજૂઆત કરી છે. ખેડૂતોને નકલી બિયારણને કારણે નુકસાન જાય છે. પાણીનો બગાડ અને મહેનત તેમજ સમયનો વ્યય થાય છે. મારી રજૂઆત અંગે સરકાર પણ પગલાં લે છે તેથી મને સંતોષ છે. 23 ઓક્ટોબરના મેં આ પત્ર લખ્યો હતો અને સરકારે તાત્કાલિક અસરથી બેઠક બોલાવી છે. આ મામલે યોગ્ય કાર્યવાહી પણ થશે જ તેવો મને વિશ્વાસ છે.