આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 9થી 29 નવેમ્બર એટલે કે 21 દિવસનું રહેશે. વેકેશન અંગેનો સરકારનો પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી સ્કૂલોને જાણ કર્યા બાદ પણ અનેક ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું વેકેશન જાહેર કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે રાજકોટના કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને જો રજાના દિવસોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે, તો શાળાએ પહોંચી હલ્લાબોલ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રાજકોટ NSUI પ્રમુખ બ્રિજરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આજ રોજ NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં અમે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા આ દીવાળી વેકેશનને ટૂંકાવી માત્ર 10 દિવસનું કરવામાં આવ્યું છે, જેની સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોઈ વાલીઓ શાળાએ આ અંગે ફરિયાદ કરે તો શાળા દ્વારા જે તે વાલી અને વિદ્યાર્થી સામે રાગદ્વેશ રાખવામાં આવે છે, માટે અમે વિદ્યાર્થી સંગઠન રજૂઆત કરવા આવ્યા છીએ અને તમામ શાળામાં રાજ્ય સરકારના નિયમનું પાલન થાય અને 21 દિવસનું દિવાળી વેકેશન બાળકોને આપવામાં આવે તેની કાળજી લેવા રજૂઆત કરીએ છીએ, જો નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.